Sunday 24 July 2016

ઉનાનુ ‘ઊના’ થવુ એટલા માટે પણ આવશ્યક હતું...

10 જૂલાઈ 2016.. આ દિવસ દલિતોના અવાજ માટે નિમિત્ત દિવસ બની જાય તો નવાઈ નહિ અને બનવો જ જોઈએ. એક બાજુ દેશમાં ગુજરાત મોડલના ઢોલ વગાડીને મેરા દેશ બદલ રહા હે જેવા નારાઓ લગાવાઈ રહ્યા છે. ( જોકે એ વાત અલગ છે કે ઢોલ પણ દલિતો જ પાસે જ વગડાવાય છે અને એ પણ ચામડાથી બનેલો) ત્યારે હવે ઊનુ થયેલુ ઉના તાલુકાનુ સમઢીયાળા ગામ ગુજરાતનો જ એક ભાગ છે કે પછી બીજુ જ કોઈ રાજ્ય છે એ વિચારવાનો સમય આવી ગયો છે. દુનિયાભરમાં આગવી ઓળખ બનાવાનારા ગુજરાતીઓની આ પણ એક ઓળખ છે એ સ્વીકારવાનો સમય આવી ગયો છે. જાતપાતના રાજકારણનુ ઘર ગણાતા યુપી-બિહારને પણ શરમાવે એવી આ ઘટનાએ દેશ અને દુનિયાભરના લોકોના ચશ્મા પર આયોજન બદ્ધ રીતે લગાવવામાં આવેલી વિકાસની ઘુળને ખંખેરી નાંખી છે. ત્યારે હવે સવાલ એ થાય કે આ ઘટના શું ફ્કત ઘટના જ છે કે પછી ખરેખર ગુજરાતમાં પડદા પાછળની વાસ્તવિકતા છે..?  જો આ સવાલનો જવાબ વ્યક્તિગત રીતે પોતાની આંખો પર ભરોષો કરીને આપુ અને  સામે સાંભળનારો માણસ હોય તો રૂવાડા ઉભા થઈ જાય.
ફોટો સૌજન્ય- ગૂગલ ઈમેજ
            ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પૃષ્ટભુમી પર આ સવાલનો જવાબ શોધીએ તો ખરેખર વિચારતા કરી મુકે તેવો જવાબ મળે છે. મહાત્માં ગાંધી, વિનોબા ભાવે અને બાબા સાહેબ દ્વારા જલાવવામાં આવેલી સામાજિક ક્રાંતિની જ્યોતનું અજવાળુ ત્યાં સુધી ક્યારે પહોચશે તે મોટો સવાલ આપણી સામે આવીને ઉભો રહી જાય છે. કુવા પર પાણી ન ભરવા દેવુ, મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ, મેલુ ઉપાડવાની પ્રથા જો કે હવે નથી રહી પરંતુ તેના જેવા જ સફાઈના કામ વગેરે જો તમે પુસ્તકોમાં વાંચ્યા હોય અને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા હોય તો ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગાંમડાઓનો પ્રવાસ કરી લેવો જોઈએ. પોતાને વિકસીત ગણાવતા આ દંભી સમાજમાં આજે પણ દલિત વિસ્તારમાં જઈને આવ્યા બાદ છાંટ લેવાતા અને સળગતો કોલસો હાથમાં લઈ આભડછેડ દુર કરતા દ્રશ્યો જોવા મળે છે. ઘણા બઘા ગામડાઓની શાળાઓમાં દલિત સમાજના બાળકો કોઈ ખુણામાં બેઠેલા જોવા મળે તો નવાઈ નહિ. કેટલાક ગામોમાં તો સરકારી શાળાઓમાં સવર્ણો બાળકોને ફ્ક્ત એટલા માટે નથી ભણાવતા કેમ કે ત્યા ગામના દલિત બાળકો સાથે બેસીને ભણવુ પડે. જ્યા સાથે ભણે છે ત્યા શિક્ષકોની માનસિકતા દલિત બાળકોને દલિત જ રાખે છે. જો કે બીજી તરફ કેટલીક શાળાઓ સમાજમાં દ્રષ્ટાંતરૂપ થઈ શકે તેવુ પણ કામ કરી રહી છે. લગ્નથી માંડીને બધા જ સારા પ્રસંગોમાં ઢોલ વગાડીને પરીવારના પ્રસંગને દિપાવતા દલિતો સાથેનુ વર્તન પણ વિચારતા કરી મુકે એવુ છે. જે પ્રસંગને દિપાવવા માટે તેઓ ખડે પગે રહે છે ત્યા તેઓને ઘરના વાસણમાં પાણી પણ પિવડાવવામાં નથી આવતુ આ પણ એક કડવી વાસ્તવિકતા છે. હોળી જેવા પ્રસંગોમાં પાપથી બચવા માટે દલિતોના હાથે હોળી તો સળગાવાય છે પરંતુ તેઓને ઉજવણીમાં ભાગીદાર નથી બનાવવામાં આવતા. અરે હદ તો ત્યારે થાય છે જ્યારે દલિત સમાજમાં વિધિ-વિધાન કરતા બ્રાહ્ણણોને દલિત જેવા જ ગણવામાં આવે છે.  ઘણા બધા ગામોમાં અનામતનાં આધારે દલિત સમાજના પ્રતિનિધી સરપંચ તો બને છે પરંતુ વહિવટ બીજા જ કોઈ કરે છે. તો કેટલાક કિસ્સાઓમાં ખોટી રીતે ફસાવી સત્તા પરથી હટાવવાના કારસા રચાય છે. આ વાસ્તવિકતા છે ત્યારે ઉનાની ઊના થવાની ઘટના મહત્વની બની જાય છે.
દાદરીમાં અખલાકની હત્યાની ઘટના અને ઉનામાં બનેલી મારપીટની ઘટનાને જો તમે ક્યારેક જ બનતી ઘટના તરીકે જોતા હો તો તમે બહુ મોટા વહેમમાં જીવો છો. એક બાજુ સત્તામાં હિન્દુવાદી તાકતો અને બીજી તરફ પોલીસ અને સમાજની નિષ્ક્રિયતા રોજ કેટલા દલિતો અને મુસ્લિમોના આત્મસન્માન સાથે ખિલવાડ કરે છે તે એક વિચારવા જેવો મામલો છે. સત્તાના સમર્થનથી ચાલતી હિન્દુત્વની હાટડીઓ મનફાવે ત્યારે હથિયારો લઈને ગૌરક્ષા કરવા નિકળી પડે છે. જેમાં કેટલાય અખલાક હોમાય છે પરંતુ બધી ઘટનાઓ દાદરી નથી બની શકતી. જો કોઈ ઘટના માથુ ઉચકે તો રાજકીય રોટલો શેકવાની લ્હાયમાં પીપલી લાઈવ બનીને રહી જાય છે અને આખરે વાત ઘાણીના બળદની જેમ ત્યાંની ત્યાંજ આવીને રહી જાય છે. ત્યારે હવે ઉનાનુ ઊના થવુ એટલા માટે મહત્વનુ બની જાય છે કે જે ગુજરાતને સીડી બનાવીને દિલ્હીની ગાદી સુધી રસ્તો કરાયો છે તે આયોજન બદ્ધ રીતે ચશ્મા પર લગાવવામાં આવેલી ઘુળ હતી એ સાબિત થવુ પણ જરૂરી હતું. કાયદાને મજાક સમજતા રૂઢીવાદી સમાજ માટે પણ આ તમાચો પડવો આવશ્યક હતો. સૌથી મોટી જરૂરીયાત તો એ હતી કે છાછવારે બનતી અને દબાઈ જતી આવી આવી ઘટનાઓ છાપે ચડવાથી પિડિતોમાં પ્રતિકાર કરવાની હિમ્મત આવે. ત્યારે હવે આ હિમ્મત આવી છે તો તેઓ તે હિમ્મતને પકડી રાખી આંબેડકરના રસ્તે આગળ વધી જાય. થોડા દિવસ મુશ્કેલી પડશે પરંતુ તેઓ કહેવાતા સભ્ય સમાજને એ ગંદકીથી, એ વાસ્તવિકતાથી પરીચીત થવા દે અને ન બોલવા જેવી વાત એ કે તેઓને પરિચય થવા દે કે અનામતમાં મળતા બે-ચાર ટકાની શું કિમંત છે. ?

No comments:

Post a Comment