Sunday 18 February 2018

તમે આવ્યા હતા..


તમે આવ્યા હતા... એક સાંજે પુનમની ભરતીની જેમ...
ગ્રીષ્મના તડકાથી નંખાઈ ગયેલી રેતીને ભીંજવવા આવતી લહેરોની જેમ…
તમે આવ્યા હતા…
ફાગણમાં કેસુડા રંગ બનીને…
કોઈ વૃક્ષ પર પહેલી વખત આવેલા ફુલોની જેમ…
તમે આવ્યા હતા રણમાં ભુલા પડેલા મુસાફરને મળેલી મીઠી વિરડીની જેમ…
હજાર શોરની વચ્ચે મીઠુ સંગીત થઈને…
તમે આવ્યા હતા સુના બાગમાં કોઈ બુલબુલના ટોળાની જેમ…
ને તમારા આવ્યા પછી…ખીલી હતી વસંત ઉપવનમાં….
શરૂ થયો હતો ભમરાઓનો ગુંજારવ….
ને પછી પુનમની કોઈ રાતે પથરાતી ચાંદનીમાં ઓગળ્યા હતા આપણે બન્નેે એકબીજામાં…
દિવસો જતા ખિલ્યા હતા આપણી મહોબ્બતના ફુલો એ જ પુનમની ચાંદની જેમ…
વાગ્યા હતા બાણ જમાનાને કાળજે…
ને પછી…
પછી કાવતરા થયા હતા તારી અને મારી હૈયાતીને એક સાથે ન સાંખી લેવાના…
ને પછી આપણે એ વમળને માત આપી જીવન નાવને બે કિનારાની વચ્ચે સલામત રાખવાના સોગંદ લીધા હતા..
ને ત્યાં અચાનક... તમે જ…સાવ આવી રીતે…
હા.. તમે છેડી હતી વાત….તમારા અને મારા બે નોખા રસ્તાઓની…
એક રસ્તો જ્યાં તમે જવાના હતા…ને એક રસ્તો જે તમે મારા માટે કંડાર્યો…
તમે લઈ લીધુ હતુ વચન દરિયો પાર કરવાનું…તરાપો પકડાવીને…
ને પછી પલટાયા હતા રસ્તા…
તમારા અને મારા…
ચાલી નિકળ્યા હતા તમે…..ને જોઈ રહ્યો હતો હું તરસ્યુ હરણ જેમ મૃગજળને ઝંખે…
ને પછી તમે એ જ મૃગજળ... અને હું એ જ હરણ..જે ચાલ્યા કરે છે તલપ લઈને એ જ લક્ષ્યહીન દિશામાં...

No comments:

Post a Comment